Whatsapp
Logo
Close

Blog Details

Ejamin 08 November 2025

મુસ્લિમ નાબાલિકની મિલકત વેચવા માટે કોર્ટની મંજૂરી ફરજિયાત – ગાર્ડિયનને હવે મર્યાદિત સત્તા: રેવન્યુ વિભાગની સ્પષ્ટતા

મુસ્લિમ નાબાલિકની મિલકત વેચવા માટે કોર્ટની મંજૂરી ફરજિયાત – ગાર્ડિયનને હવે મર્યાદિત સત્તા: રેવન્યુ વિભાગની સ્પષ્ટતા

મુસ્લિમ કાયદા હેઠળ નાબાલિકની મિલકત વેચાણ માટે કોર્ટની મંજૂરી ફરજિયાત: રેવન્યુ વિભાગના કાનૂની મંતવ્યથી સ્પષ્ટતા

અમદાવાદ, તા. ૮ નવેમ્બર — રાજ્યના મહેસૂલ વિભાગે નાબાલિકોની મિલકતના વેચાણ સંબંધિત પ્રશ્ન પર મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા આપી છે. તાજેતરમાં વિભાગે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ નાબાલિકની અચળ મિલકત (immovable property)ના વિલેવટ (alienation) માટે કોર્ટની મંજૂરી ફરજિયાત છે કે નહીં — તે મુદ્દે કાનૂની વિભાગની અભિપ્રાય માગી હતી.

 હિન્દુ કાયદામાં પહેલેથી સ્પષ્ટતા હતી

હિન્દુ માઇનરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ, 1956 હેઠળ અગાઉ જ આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જો મિલકત સંયુક્ત કુટુંબની અવિભાજિત મિલકત હોય તો નાબાલિકના હિસ્સાની વેચાણ માટે કોર્ટની મંજૂરી જરૂરી નથી.

પરંતુ જો કુટુંબમાં વિભાજન થઈ ચૂક્યું હોય અને દરેક સભ્યનો હિસ્સો અલગ થઈ ગયો હોય, તો નાબાલિકના હિસ્સાનું વેચાણ કરવું હોય તો કોર્ટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બને છે.

 મુસ્લિમ કાયદા હેઠળ નવી કાનૂની સ્થિતિ સ્પષ્ટ

હવે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ સમાન પ્રકારની પરિસ્થિતિ માટે કાનૂની વિભાગે પોતાની વિગતવાર અભિપ્રાય રજૂ કરી છે.

મુસ્લિમ કાયદાની કલમ 348 મુજબ “નાબાલિક” એ તે વ્યક્તિ છે જેની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ નથી.

જ્યારે કલમ 359 મુજબ નાબાલિકની મિલકતના ગાર્ડિયન (અભિભાવક) બનવાના અધિકાર નીચે મુજબ છે:

1. પિતા

2. પિતાની વસીયતમાં નિમાયેલ અમલદાર

3. દાદા

4. દાદાની વસીયતમાં નિમાયેલ અમલદાર

જો આ પૈકી કોઈ હાજર ન હોય, તો કલમ 360 અનુસાર કોર્ટને ગાર્ડિયન નિયુક્ત કરવાની સત્તા છે.

"De Facto Guardian" પાસે મિલકત વેચવાનો અધિકાર નથી

મુસ્લિમ કાયદાની કલમ 361 હેઠળ "De Facto Guardian" એટલે કે જે વ્યક્તિ કાનૂની રીતે નિયુક્ત નથી પણ સ્વયંભૂ રીતે નાબાલિકની મિલકત સંભાળે છે,

તેને મિલકત વેચવાની કે ટ્રાન્સફર કરવાની કોઈ કાનૂની સત્તા નથી.

તેના દ્વારા કરાયેલ કોઈપણ વેચાણ અથવા હક ટ્રાન્સફર પૂર્ણપણે અમાન્ય (void) ગણાશે.

 કાયદેસર ગાર્ડિયનને પણ મર્યાદિત સત્તા

કલમ 362 મુજબ, કાયદેસર ગાર્ડિયન માત્ર ચોક્કસ પરિસ્થિતિઓમાં જ મિલકત વેચી શકે છે —

જ્યાં દોગણું મૂલ્ય મળતું હોય,

નાબાલિકની જરૂરિયાત માટે બીજું કોઇ સાધન ન હોય,

મૃત્યુ પામેલા વ્યક્તિના દેવા ચૂકવવા પડે,

વસીયતના લેગેસી ચૂકવવા પડે,

મિલકત બગડી રહી હોય અથવા કબજે લેવાઈ ગઈ હોય.

આ સિવાયની પરિસ્થિતિમાં મિલકતનું વેચાણ અમાન્ય ગણાશે.

કોર્ટ દ્વારા નિયુક્ત ગાર્ડિયનને મંજૂરી ફરજિયાત

કલમ 363 મુજબ જો ગાર્ડિયન કોર્ટ દ્વારા નિયુક્ત થયેલો હોય, તો મિલકતનું વેચાણ, ગિફ્ટ, મોર્ગેજ અથવા ટ્રાન્સફર કોર્ટની પૂર્વ મંજૂરી વિના કરી શકાતું નથી.

કાનૂની વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ જોગવાઈઓ મુજબ મુસ્લિમ નાબાલિકોની મિલકતનું વેચાણ કોર્ટની દેખરેખ અને મંજૂરી વિના કરી શકાતું નથી.

 રજિસ્ટ્રારને પણ જવાબદારી

રજીસ્ટ્રેશન એક્ટ, 1908ની કલમ 34(3) મુજબ રજિસ્ટ્રારને દસ્તાવેજ લાવનાર વ્યક્તિની ઓળખ અને સત્તા અંગે સંતોષ મેળવવો ફરજિયાત છે.

કાયદામાં પુરાવા માટે ચોક્કસ માપદંડ નથી, તેથી રજિસ્ટ્રાર પોતાની સમજ મુજબ ઓળખપત્રો, અફિડેવિટ, સાક્ષી અથવા અન્ય પુરાવા માંગવાની સત્તા ધરાવે છે.

 વિભાગનો તાત્પર્યપૂર્ણ નિષ્કર્ષ

મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું કે —

મુસ્લિમ કાયદા મુજબ નાબાલિકની મિલકત વેચવાની સત્તા માત્ર કાયદેસર ગાર્ડિયન અથવા કોર્ટ દ્વારા નિયુક્ત ગાર્ડિયનને જ છે.

કોઈપણ De facto ગાર્ડિયન અથવા બીજો વ્યક્તિ જો આવી મિલકતનું વેચાણ કરે, તો તે વ્યવહાર પૂર્ણપણે ગેરકાયદે અને અમાન્ય ગણાશે.

રજિસ્ટ્રારને દરેક કેસમાં વેચનારની ઓળખ અને તેની સત્તા અંગે પૂરતો પુરાવો મેળવવો ફરજિયાત છે.

 કાનૂની નિષ્ણાતોની ટિપ્પણી

કાયદા નિષ્ણાતો જણાવે છે કે આ સ્પષ્ટીકરણથી હવે મુસ્લિમ નાબાલિકોની મિલકત સંબંધિત રજીસ્ટ્રેશનમાં કોઈ અનિશ્ચિતતા રહેશે નહીં.

આ નિર્ણય રેવન્યુ વિભાગ માટે માર્ગદર્શક સાબિત થશે અને નાબાલિકોના હિતોની રક્ષા માટે મહત્વપૂર્ણ કાનૂની માળખું પૂરું પાડશે.