ભાડુઆત મકાનમાલિક અથવા તેમના વારસદારોના ટાઇટલને પડકારી શકશે નહીં: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દાયકાઓ સુધી ભાડું ચૂકવ્યા પછી પણ ભાડુઆત મકાનમાલિક અથવા તેમના કાનૂની વારસદારોની માલિકી પર પ્રશ્ન ઉઠાવી શકતો નથી. આ ચુકાદો લાંબા સમયથી ચાલતા ભાડુઆત-મકાનમાલિક વચ્ચેના વિવાદોમાં માર્ગદર્શક બની રહેશે.
જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની ખંડપીઠે ભાડુઆતને વિવાદિત મિલ્કત છ મહિનામાં ખાલી કરવાનો હુકમ આપ્યો હતો. કોર્ટએ સાથે જ કહ્યું કે બે સપ્તાહમાં એક માસની અંદર બાકી ભાડાની રકમ ચૂકવીને અને છ મહિનામાં કબ્જો સોંપવા માટે બાંહેધરી ફાઈલ કરવી પડશે — નહીંતર મકાનમાલિકને મિલ્કત ખાલી કરાવવાનો અધિકાર રહેશે.
આ કેસમાં વિવાદની શરૂઆત વર્ષ 1953માં થઈ હતી. રામજીદાસ નામના વ્યક્તિ પાસેથી ભાડે લીધી દુકાનના મામલે ભાડુઆત અને મકાનમાલિકના વારસદારો વચ્ચે સાત દાયકાથી વિવાદ ચાલતો હતો. મૂળ મકાનમાલિક રામજીદાસના અવસાન પછી તેમના પુત્રોએ અને પછી પુત્રવધુએ માલિકીનો દાવો કર્યો હતો. 1999માં રામજીદાસની પુત્રવધુએ વસીયતના આધારે દુકાનની માલિકીનો દાવો કરી ભાડુઆતને ખાલી કરવા નોટિસ આપી હતી.
પરંતુ ભાડુઆત પક્ષે વસીયતની માન્યતા પર શંકા વ્યક્ત કરી દલીલ કરી કે રામજીદાસને મિલ્કત પર કોઈ માલિકી હક ન હતો અને માલિકી તેમના કાકા સુઆલાલની હતી. ટ્રાયલ કોર્ટ, પ્રથમ અપીલ કોર્ટ અને હાઇકોર્ટે પણ ભાડુઆત પક્ષના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણયોને રદ કરતાં કહ્યું કે નીચલી અદાલતોના તારણો ભૌતિક પુરાવાઓથી વિપરીત છે. કોર્ટએ નોંધ્યું કે 1953થી ભાડુઆત રામજીદાસને ભાડું ચૂકવતો હતો અને તેમના મૃત્યુ બાદ પણ તેમના પુત્રોને ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું — જે માલિકીનો પુરાવો છે.
કોર્ટએ વધુમાં કહ્યું કે વસીયતનામા અંગે શંકા ફકત એટલા માટે ન રાખી શકાય કે વસીયતકર્તાએ પત્ની માટે જોગવાઈ ન કરી હોય. એકવાર વસીયતની કાનૂની ચકાસણી થઈ જાય, ત્યાર બાદ તેના આધારે માલિકીની માન્યતા સ્વીકારવી પડે.
સુપ્રીમ કોર્ટે રામજીદાસની પુત્રવધુની અપીલ મંજૂર કરી, ભાડુઆતને છ મહિનાની અંદર મિલ્કત ખાલી કરવાની ફરજ પાડતા સ્પષ્ટ કર્યું કે —
> “ભાડા કરારના આધારે કબ્જો મેળવનાર ભાડુઆત મકાનમાલિક અથવા તેમના કાનૂની વારસદારોની માલિકી પર પ્રશ્ન ઉઠાવી શકતો નથી.”
આ ચુકાદો ભવિષ્યમાં ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના ઘણા વર્ષોના વિવાદોમાં મહત્વપૂર્ણ દાખલો બની રહેશે.
ઑર્ડર વાંચવા/ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો