જ્યારે કુટુંબના સભ્યો પાસે વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલ હોય ત્યારબાદ કુટુંબની તેવી વડીલોપાર્જિત મિલકત અંગે કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન યાને પાર્ટિશન કરવામાં આવે ત્યારે કુટુંબના જે તે સભ્યોના હિસ્સે આવતી તેવી મિલકત જે તે સભ્યની સુવાંગ મિલકત થાય છે. પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્યના પુત્ર સંતાનોની વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહે છે.
પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્ય દ્વારા તેની પોતાની હયાતી દરમિયાન તેટલા હિસ્સાવાળી મિલકત તબદીલ કરવામાં આવેલ હોય અને તેવું હસ્તાંતર અવેજ વિના અને કાયદેસરની જરૂરિયાત વિના અથવા યોગ્ય વ્યવસ્થાના કૃત્ય તરીકે કરવામાં આવેલ ન હોય તો તેટલા હિસ્સાવાળી મિલકતની તબદીલી ગેરકાયદેસર ગણાય નહીં. આવો સિદ્ધાંત નામદાર પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે જાગીરસિંઘ વિ. અમરજીતસિંઘ અને બીજા, રેગ્યુલર સેકન્ડ અપીલ નં.799/2002 ના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
સાધુસિંઘ વિગેરેનાઓની કુટુંબની વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલી. ત્યારબાદ કુટુંબના સભ્યો વચ્ચે તેવી મિલકત અંગે સને-1956માં વિભાજન થયેલુ. અને વિભાજન મુજબ જે તે કુટુંબના સભ્યોએ પોતાના હિસ્સે આવેલી મિલકતનો કબજો પણ મેળવી લીધેલો. જેમાં સાધુસિંઘે પોતાની પત્નિનો અને પોતાનો હિસ્સો પણ રાખેલો અને બાકીની જમીન તેઓએ તેમના ત્રણ પુત્રો વચ્ચે વહેંચી દીધેલી. ત્યારબાદ સાધુસિંઘે પોતાના હિસ્સે આવેલી મિલકત તેઓના ત્રણ પુત્રો જાગીરસિંઘ, અમરજીતસિંઘ તથા કાશ્મીરસિંહ પૈકી બે પુત્રો અમરજીતસિંઘ અને કાશ્મીરસિંઘનાઓને રજિસ્ટર્ડ વેચાણ ખતથી આપી દીધેલી. આથી સાધુસિંઘના અન્ય પુત્ર જાગીરસિંઘે તેઓના પિતા દ્વારા ભાઈઓની તરફેણમાં કરવામાં આવેલ વેચાણ ખત નિરર્થક અને રદબાતલ કરાવવા માટે દાવો દાખલ કરેલો. અને જણાવેલ કે, આ વેચાણ ખત અવેજ વિનાના અને કાયદેસર જરૂરિયાત માટે કરવામાં આવેલ નથી. વધુમાં વાદી જાગીરસિંઘે જણાવેલ કે તેઓના પિતાના હિસ્સે આવેલી મિલકત વડીલોપાર્જિત હતી. જેમાં નામદાર નીચલી કોર્ટે (ટ્રાયલ કોર્ટે) વાદીનો (જાગીરસિંઘનો) દાવો રદ કરેલો અને ઠરાવેલ કે, સાધુસિંઘે પોતાના હિસ્સે આવેલી મિલકત પોતાના બે પુત્રોને વેચાણ ખતથી આપેલ તે વેચાણ ખત ગેરકાયદેસર નથી. વધુમાં ઠરાવેલ કે, સાધુસિંઘના કબજામાં રહેલ મિલકત વિભાજન બાદ તેની સુવાંગ મિલકત બની રહે છે. યાને તેવી મિલકત વડીલોપાર્જિત સમાંશિત મિલકત રહેતી નથી. સંયુક્ત હિન્દુ કુટુંબના તમામ સભ્યો વચ્ચે આવી મિલકત અંગે સને-1956 ની સાલમાં વિભાજન થઈ ગયેલું. જેમાં સાધુસિંઘના કબજામાં રહેલ અને હિસ્સે આવેલ દાવાવાળી મિલકત વિભાજન બાદ સંયુક્ત સમાંશિત સમૂહની મિલકત રહેતી નથી. તેમજ વિભાજન થયા બાદ વાદી જાગીરસિંઘે સને-1956 ની સાલમાં પોતાના પિતા પાસેથી પોતાનો હિસ્સો મેળવી લીધેલો અને કુટુંબથી અલગ થઈ ગયેલ હતા. વધુમાં વાદી જાગીરસિંઘ તેવું સાબિત કરી શકેલ નથી કે સાધુસિંધના હિસ્સે આવેલી અને કબજામાં રહેલી દાવાવાળી મિલકત વડીલોપાર્જિત મિલકત હતી અથવા કાયદેસરની જરૂરિયાત યા યોગ્ય વહીવટનું કાર્ય ન હતું. તેમ ઠરાવી નામદાર નીચલી કોર્ટે સાધુસિંઘે પોતાના બે પુત્રોની તરફેણમાં કરેલ બે જુદા-જુદા વેચાણ ખતો ગેરકાયદેસર નથી તેવું ઠરાવવામાં આવેલ. નામદાર નીચલી કોર્ટના આ હુકમથી નારાજ થઈ જાગીરસિંઘે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી. જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ નીચલી કોર્ટના હુકમને સમર્થન આપેલું અને સાધુસિંઘની તરફેણમાં ચુકાદો આપેલો અને ઠરાવેલ કે, જ્યારે હિન્દુ સંયુક્ત કુટુંબનો અંત આવેલ હોય અને હિન્દુ સંયક્ત કુટુંબના મિલકતનું વિભાજન કરવામાં આવેલ હોય, ત્યારે તે સંજોગોમાં દરેક કુટુંબના સભ્યોના હિસ્સે આવેલી મિલકત તેઓની પોતાની સુવાંગ માલિકીની મિલકત થાય છે. આથી તેઓ પોતાના હિસ્સે આવેલી મિલકત અંગે પોતાની મરજી મુજબ દિલ ચાહે તે રીતે હસ્તાંતર કે વ્યવસ્થા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આવા અધિકારથી તેઓને વંચિત રાખી શકાય નહીં. આમ, ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ એવું ઠરાવેલ કે, વિભાજન બાદ સાધુસિંઘના હિસ્સે આવેલ દાવાવાળી મિલકત તેઓની પોતાની સુવાંગ માલિકીની મિલકત ગણાય. આથી તેઓના હિસ્સાવાળી મિલકત અંગે તેઓએ કરેલ તબદીલી-હસ્તાંતર કાયદેસર ગણાય.
ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી નારાજ થઈ વાદી જાગીરસિંઘે હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી. જેમાં નામદાર હાઇકોર્ટે આ અપીલ ગુણવત્તા વિનાની હોવાનું જણાવેલુ. નામદાર હાઇકોર્ટે વધુ સ્પષ્ટતા કરી ઠરાવેલ કે, સમાંશિતોએ મેળવેલ વડીલોપાર્જિત મિલકતનો હિસ્સો તેના પુરુષ સભ્યો સંબંધે વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહેલ છે. કારણ કે, તેઓ વિભાજન પહેલા અથવા ત્યારબાદ જન્મેલ હોય, જન્મથી તેઓ મિલકતમાં હિત ધરાવતા હોય છે. તે છતાં પણ સમાંશિતે પોતાની હયાતી દરમિયાન કરેલ તબદીલી કાનૂની જરૂરિયાતની અથવા યોગ્ય વહીવટી કૃત્ય વિનાની દર્શાવવામાં નહીં આવે તો તેનો વિરોધ કરી શકાય નહીં. વધુમાં આ કેસમાં એવું પુરવાર થયેલ નથી કે, થયેલ તબદીલીઓ અવેજ વિનાની હતી અથવા કાનૂની જરૂરિયાત માટે ન હતી અથવા યોગ્ય વહીવટી કૃત્ય માટેની ન હતી. તેમ ઠરાવી નામદાર હોઇકોર્ટે અપીલ મહત્ત્વ વિનાની હોવાનું ઠરાવી જાગીરસિંઘની અપીલ રદ કરવા અંગેનો હુકમ કરવામાં આવેલો.
ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વડીલોપાર્જિત મિલકત અંગે કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન થયા બાદ તેના પુરુષ સભ્યો સંબંધે તે વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહે છે. વડીલોપાર્જિત મિલકતનું વિભાજન પહેલા જન્મેલ અથવા ત્યારબાદ જન્મેલ સભ્ય જન્મથી જ મિલકતમાં પોતાનો હક્ક-અધિકાર ધરાવતા હોય છે. કુટુંબના સભ્યો પાસે વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલ હોય ત્યારબાદ કુટુંબની તેવી વડીલોપાર્જિત મિલકત અંગે કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં આવે ત્યારે કુટુંબના જે તે સભ્યોના હિસ્સે આવતી તેવી મિલકત જે તે સભ્યની સુવાંગ મિલકત થાય છે. પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્યના પુત્ર સંતાનોની વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહે છે. પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્ય દ્વારા તેની પોતાની હયાતી દરમિયાન તેટલા હિસ્સાવાળી મિલકત તબદીલ કરવામાં આવેલ હોય અને તેવું હસ્તાંતર અવેજ વિના અને કાયદેસરની જરૂરિયાત વિના અથવા યોગ્ય વ્યવસ્થાના કૃત્ય તરીકે કરવામાં આવેલ ન હોય તો તેટલા હિસ્સાવાળી મિલકતની તબદીલી ગેરકાયદેસર ગણાય નહીં
ઓર્ડર વાંચવા /ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો