મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો
એકની એક મિલકત ઉપર ડબલ લોન ના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્ક એકાઉન્ટ ટાંચ મુક્ત રહેશે
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-રેરાએ તેના બેન્ક એકાઉન્ટ નિયમો સંદર્ભે સુધારો બહાર પાડ્યો છે. એલોટી બેન્ક લોન લે છે તે બેન્કો સંદર્ભે આ સુધારો કરાયો છે, જે એલોટી યાને મકાન-દુકાન-પ્રોપર્ટી લેનારાના હિતમાં બેન્કોને ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૫ની અસરથી લાગુ થાય છે.
રેરાએ આ નવા હુકમમાં બેન્કોને આદેશ કર્યો છે કે, મોર્ગેજ સોદો કરતાં પહેલાં બેન્કોએ એ જોવાનું રહેશે કે જે એકમ માટે તેઓ લોન મંજૂર કરે છે તે એકમ માટે અગાઉ વેચાણ દસ્તાવેજ થઈ ગયો તો નથીને, મોર્ગેજ સોદો કરતાં પહેલાં બેન્કોએ સદર મિલક્ત ઉપર અગાઉ તો મોર્ગેજ સોદો રજિસ્ટર્ડ થયો છે કે કેમ તે ચેક કરવાનું રહેશે, જે તે મિલક્ત-એકમ માટે અગાઉ કોઈ બેન્કમાંથી લોન લેવાઈ તો નથીને એ પણ બેન્કોએ ચેક કરવાનું રહેશે તેમજ બેન્કોએ એ પણ ચેક કરવાનું રહેશે કે જે તે મિલક્ત કોઈપણ પ્રકારના લિયન, લોન કે થર્ડ-પાર્ટી અંકુશમાંથી મુક્ત છે તદુપરાંત આ બેન્ક અકાઉન્ટ કોઈપણ સરકારી ઓથોરિટી દ્વારા રેરાની મંજૂરી વગર ટાંચમાં લઈ શકાશે નહીં.
રેરાના સૂત્રો એવું કહે છે કે, અગાઉ ડિસેમ્બર, ૨૦૨૪માં રેરા બેન્ક એકાઉન્ટ સંદર્ભે નિયમો બહાર પાડ્યા હતા અને એ પછી વિવિધ સુનાવણીઓ વખતે એવું જોવાયું છે કે, એકની એક મિલક્ત-યુનિટ ઉપર એકથી વધુ બેન્કોની લોન લેવાઈ હોય, પરિણામે એલોટીના હિતમાં બેન્કો વધુ લોન મંજૂર કરતી વખતે વધુ ચોક્સાઈ રાખે તે માટે પ્રસ્તુત નવો સુધારો બેન્કો સંદર્ભે દાખલ કરાયો છે. રેરાએ એવી પણ સૂચના આપી છે કે, બેન્કો જે તે મિલક્ત માટે લોન મંજૂર કરતી વખતે ગુજરેરાનું પોર્ટલ ચેક કરે.